રૂ. 42.6 લાખથી વધુનો દવાનો જથ્થો જપ્ત; બે પેઢીના વેચાણ પરવાના કાયમી રદ, ઓનલાઇન દવા વેચાણ પર પણ નજર
ગાંધીનગર/વડોદરા/સુરત
ગુજરાતમાં ગેરકાયદે દવાઓના સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા FDCAના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના કરજણ અને સુરત શહેરમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે રૂ. 42.6 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલી પેઢીઓ સામે લાઇસન્સ રદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કરજણમાં કોડીન કફ સિરપ અને ટ્રામાડોલનો જથ્થો ઝડપાયો
મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS એક્ટ હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની 13,938 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 27.8 લાખ છે. આ ઉપરાંત રૂ. 50 હજારની કિંમતની Tramadolની 12,240 ટેબ્લેટ્સ પણ જપ્ત કરવામાં આવી હતી.
કાયદાના ગંભીર ભંગ બદલ પેઢીને સીલ કરવામાં આવી છે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ તેના 20-B અને 21-B વેચાણ પરવાના 1 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
માજીસા મેડિકલ સ્ટોર્સ સામે પણ કાર્યવાહી
ચામુંડા ફાર્મા સાથે સંબંધિત કરજણની મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. અહીં NDPS ઘટક ધરાવતી Lomotil ટેબ્લેટ્સ મળી આવી હતી. તપાસ દરમિયાન રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી તેમજ દવાઓ માટે જરૂરી તાપમાન જાળવતું ફ્રિજ બંધ હોવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી.
આ ઉલ્લંઘનો બદલ પેઢીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને તેના છૂટક દવાના વેચાણના પરવાના 5 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
ઓનલાઇન દવા વેચાણ પર FDCAની નજર
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના Sildenafil Citrate જેવી દવાઓના ઓનલાઇન વેચાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા ખાતે 1 ઓક્ટોબરે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં પેઢી પાસે માન્ય ડ્રગ લાઇસન્સ ન હોવા છતાં પોતાની વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.
સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત રૂ. 11.26 લાખથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે. દવાઓના નમૂનાઓ સરકારી FDL, વડોદરા ખાતે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
‘Sildenafil Ayurvedic’ નામે એલોપેથિક દવાનું વેચાણ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ સામે 3 ઓક્ટોબરે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાના ડિજિટલ પુરાવા મળ્યા હતા. માત્ર એક મહિનામાં આશરે રૂ. 3.60 લાખની દવાઓનું વેચાણ થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ જ વ્યક્તિ સામે અગાઉ પણ પરવાના વિના દવાનો સંગ્રહ કરવા બદલ કાર્યવાહી થઈ ચૂકી હોવાથી હાલની ઘટનાને પુનરાવર્તિત ગુનો ગણીને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સાયબર સેલ સાથે સંયુક્ત ડિજિટલ મોનિટરિંગ
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મ અથવા ખાનગી વેબસાઇટ મારફતે ‘આયુર્વેદિક’ નામે Sildenafil જેવી એલોપેથિક દવાઓ અથવા પ્રિસ્ક્રિપ્શન જરૂરી દવાઓનું ગેરકાયદે વેચાણ ગંભીર બાબત છે. આગામી સમયમાં સાયબર સેલ અને FDCAની સંયુક્ત ટીમ દ્વારા આવા ઓનલાઇન પ્લેટફોર્મનું સતત ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું કે યુવાધનમાં કોડીનયુક્ત કફ સિરપ તથા અન્ય દવાઓના દુરુપયોગને રોકવા કાયદાકીય કાર્યવાહી સાથે જનજાગૃતિ પણ જરૂરી છે. રાજ્યના યુવાધનને નશાની લતથી બચાવવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગેરકાયદે દવાઓનું વેચાણ કરનારાઓ સામે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
