પદ્મશ્રી પ્રો. અનિલ ગુપ્તાએ સામાજિક પરિવર્તન અને માનવકલ્યાણને કેન્દ્રમાં રાખીને નવીનતા વિકસાવવા યુવાનોને પ્રેરિત કર્યા; 400થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સહભાગિતા
ગાંધીનગર:
ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થા (IITE), ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિકાસ સપ્તાહ-2026 અંતર્ગત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કાર્યક્રમનું આયોજન 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડોક્ટરલ સ્ટડીઝ ઇનોવેશનના SSIP સેલના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પ્રો. અનિલ ગુપ્તા મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
સામાન્ય લોકોની સમસ્યાઓના ઉકેલ માટે નવીનતા જરૂરી: પ્રો. અનિલ ગુપ્તા
મુખ્ય વક્તા પ્રો. અનિલ ગુપ્તાએ પોતાના સંબોધનમાં સામાજિક પરિવર્તન અને માનવકલ્યાણને કેન્દ્રમાં રાખીને નવીનતા વિકસાવવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું કે નવીનતા માત્ર ટેક્નોલોજી પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ સામાન્ય લોકોની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે ઉપયોગી બનવી જોઈએ. કોવિડ-19 દરમિયાન રસીકરણ જેવા પ્રયાસો દ્વારા માનવજીવનના રક્ષણનું મહત્ત્વ સમજાવતાં તેમણે પદ્ધતિ, સામગ્રી અને તેના ઉપયોગને જોડીને વ્યવહારુ ઉકેલો શોધવા પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે શિક્ષણમાં ખુલ્લાં શૈક્ષણિક સંસાધનો, રિવર્સ એન્જિનિયરિંગ, હસ્તકલા અને પરંપરાગત કૌશલ્યોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. મહિલાઓની સમસ્યાઓ સહિત સમાજની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ અભિગમથી ટેક્નોલોજી વિકસાવવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક પડકારોના ઉકેલ માટે ‘સોશિયલ ઇનોવેશન સેલ’ જેવી પહેલનું મહત્ત્વ તેમણે સમજાવ્યું હતું.
સ્ટાર્ટઅપનો હેતુ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો હોવો જોઈએ
IITEના કુલપતિ પ્રો. મુકેશ પટેલે પ્રયોગશાળા અને નવીનતાને યુવાનો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સ્ટાર્ટઅપનો હેતુ જટિલ સમસ્યાઓના ઉકેલ શોધવાનો હોવો જોઈએ અને નવીનતાના લાભ યુનિવર્સિટીની બહાર ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા જોઈએ.
યુવાનો માત્ર રોજગાર મેળવનારા નહીં, પરંતુ રોજગાર સર્જનારા બને તે જરૂરી છે. ડિગ્રીની સાથે કૌશલ્ય, આત્મવિશ્વાસ, મોટાં સપનાં, પ્રશ્નો પૂછવાની ટેવ અને યોગ્ય માર્ગદર્શન સફળતાના મહત્ત્વના આધાર છે. નિષ્ફળતાઓમાંથી શીખીને ટેક્નોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવા તથા દિવ્યાંગ વ્યક્તિઓની જરૂરિયાતોને અનુરૂપ નવીનતા વિકસાવવા પણ તેમણે પ્રેરણા આપી હતી.
સફળ સ્ટાર્ટઅપ માટે બજારની જરૂરિયાત સમજવી જરૂરી
ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાનના ઇન્ક્યુબેશન સેન્ટરના ડિરેક્ટર અને સ્ટાર્ટઅપ નિષ્ણાત ડૉ. ધ્રુવ પટેલે ઉદ્યોગસાહસિકતાનાં વ્યવહારુ પાસાં રજૂ કર્યા હતા. તેમણે સમજાવ્યું કે સફળ સ્ટાર્ટઅપની શરૂઆત સમસ્યાની ઓળખથી થાય છે. ત્યારબાદ ઉત્પાદન અથવા સેવામાં મૂલ્યવર્ધન કરીને બજારની જરૂરિયાતોને સમજવી અને તે મુજબ ઉકેલ વિકસાવવો જરૂરી છે.
26 ભારતીય અને બે આંતરરાષ્ટ્રીય પેટન્ટ મંજૂર
કાર્યક્રમ દરમિયાન IITEના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની સંશોધન તથા નવીનતાની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગત વર્ષે કુલ 26 ભારતીય પેટન્ટ અને બે આંતરરાષ્ટ્રીય પેટન્ટ મંજૂર કરાવવામાં આવી હતી.
વિજ્ઞાન ક્ષેત્રના 11 વિદ્યાર્થીઓને ગત વર્ષે મંજૂર થયેલી પેટન્ટ સંબંધિત સિદ્ધિ બદલ રૂ. 10,000ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં કેવલ વૈષ્ણવ, જેસલ કડાછા, વરુણ વાઢેર, ભાવિસિંહ રાઠોડ, કિરીટ પાટીલ, અંકુર મોતા, હેત મકવાણા, દીપ પટેલ, કૃપાલી પટેલ, અદિતિ ગામીત અને માનસી સુથારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પેટન્ટ સંબંધિત સિદ્ધિ બદલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. તેમાં ડૉ. મેહુલ દવે, ડૉ. જુમિશ્રી પાઠક, ડૉ. તેજસ પાવાગઢી, ડૉ. દર્શના લિખડા, ડૉ. હેમંત મૌર્ય, ડૉ. દીપિકા પટેલ, ડૉ. ધનંજય દેશમુખ, ડૉ. અજય પંડ્યા, ડૉ. પારસ ઉચાટ, ડૉ. કેવલ ગદાણી અને કુ. હેતલ પટેલનો સમાવેશ થાય છે. કુલપતિ પ્રો. મુકેશ પટેલ અને મુખ્ય અતિથિ પ્રો. અનિલ ગુપ્તાએ આ સિદ્ધિઓને બિરદાવી હતી.
શિક્ષણવિદો અને SSIP ટીમનું યોગદાન
કાર્યક્રમમાં સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સનાં ડિરેક્ટર પ્રો. જયના જોશી, સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન સાયન્સિસ એન્ડ મેથેમેટિક્સના ડિરેક્ટર ડૉ. મેહુલ દવે અને IITEના કુલસચિવ જતીન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત અને પ્રારંભિક પ્રવચન SSIP સેલના વડા ડૉ. તેજસ પાવાગઢીએ કર્યું હતું. તેમણે સ્ટાર્ટઅપ, નવીનતા અને SSIP પહેલ હેઠળ પ્રાપ્ત થયેલી સિદ્ધિઓનો પરિચય આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં સ્કૂલ ઓફ ડોક્ટરલ સ્ટડીઝ ઇનોવેશનના ડિરેક્ટર ડૉ. પારસ ઉચાટ અને SSIP સેલના વડા ડૉ. તેજસ પાવાગઢીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમણે મહેમાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગુજરાત નોલેજ સોસાયટી અને આયોજન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સફળતા બદલ કુલપતિ પ્રો. મુકેશ પટેલ અને કુલસચિવ જતીન ભટ્ટે આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં.
