વડોદરામાં ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સનું ભવ્ય સમાપન, રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિ

વડોદરા
વડોદરા ખાતે આયોજિત ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સ (NMCON 2026) ના સમાપન સમારોહમાં ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
શહેરની એક મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં દેશભરના વિદ્યાર્થીઓ અને ડોકટરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સમાપન પ્રસંગે મંત્રીએ પરિષદની પ્રશંસા કરતાં તેને “મિની કુંભ” તરીકે સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે દેશના વિવિધ ખૂણાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને ડોકટરો અહીં ભેગા થઈને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે અને હવે તે જ્ઞાનનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રની સેવા માટે કરશે.
તેમણે વધુમાં “રાષ્ટ્રને પ્રથમ” રાખવાનો સંદેશ આપતાં યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા હાકલ કરી હતી. NMCON 2026 માં યુવા ડોકટરો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીની પણ તેમણે પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન બે દિવસ દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મંત્રીએ ઇનામો એનાયત કર્યા હતા.
આ સમાપન સમારોહમાં ડૉ. જયંતિ ભદેસિયા, ડૉ. રંજન ઐયર, ડૉ. વ્રજેશ શાહ સહિત આયોજન સમિતિના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
