ત્રણ હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરી સુરક્ષા એજન્સીઓનું સંકલિત ઓપરેશન; રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે સજ્જતાનું પરીક્ષણ
રાજપીપળા
આગામી 31મી ઓક્ટોબર-2026ની રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે મોકડ્રિલ યોજાઈ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ત્રણ હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની અને ફૂડ કોર્ટ વિસ્તારમાં બે આતંકવાદીઓએ પ્રવાસીઓને બાનમાં લીધા હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલિત મોક ઓપરેશન હાથ ધરાયું હતું.
વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંકલન સાથે કામગીરી હાથ ધરી
મોકડ્રિલ દરમિયાન ચેતક કમાન્ડોની ટીમ, નર્મદા જિલ્લા પોલીસ, સીઆઈએસએફ, એસઆરપીએફ, બીડીએસ તથા ફાયર વિભાગના જવાનોએ પરસ્પર સંકલન સાથે તબક્કાવાર કામગીરી કરી હતી. પરિસરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ પરિસ્થિતિનું આકલન કરી કાર્યવાહી શરૂ કરી હતી.
મોક ઓપરેશન દરમિયાન એક આતંકીને પ્રવેશ દ્વાર નજીક સીઆઈએસએફના જવાનોએ નિષ્ક્રિય કર્યો હતો. ત્યારબાદ ફૂડ કોર્ટ વિસ્તારમાં ઘૂસેલા અન્ય બે આતંકવાદીઓને પણ સુરક્ષા દળોએ નિષ્ક્રિય કર્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા બાનમાં લેવાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યા હતા. મોક ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ પાસેથી એકે-47 હથિયાર, મોબાઈલ ફોન સહિતની અન્ય સામગ્રી કબજે કરવામાં આવી હતી.
ઓપરેશન પહેલાં સુરક્ષા જવાનોને વિગતવાર બ્રિફીંગ
મોકડ્રિલ પહેલાં ગેટ નંબર-5 ખાતે નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા દ્વારા સુરક્ષા દળોના જવાનોને વિગતવાર બ્રિફીંગ આપવામાં આવ્યું હતું. તેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી, તેઓ કયા વિસ્તારમાં છુપાયા હોવાની સંભાવના છે, તેમની ઓળખ, ઓપરેશન દરમિયાન અનુસરવાના રૂટ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તબક્કાવાર હાથ ધરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઝડપી પ્રતિસાદ અને સંકલનની ક્ષમતાનું પરીક્ષણ
મોક એક્સર્સાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની સંભવિત પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન, ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા, સ્થળ પર પહોંચવાની પ્રક્રિયા, કામગીરી દરમિયાનનો તાલમેલ અને સંયુક્ત ઓપરેશન માટેની તૈયારીનું વ્યવહારિક પરીક્ષણ કરવાનો હતો. મોકડ્રિલ દરમિયાન તમામ સંબંધિત એજન્સીઓએ સંકલિત રીતે કામગીરી કરી આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવાની તેમની તૈયારીઓનું પરીક્ષણ કર્યું હતું.
ડિ-બ્રિફીંગમાં કામગીરીની સમીક્ષા
મોકડ્રિલ પૂર્ણ થયા બાદ સંબંધિત સુરક્ષા એજન્સીઓના વડાઓની ઉપસ્થિતિમાં ડિ-બ્રિફીંગ યોજાયું હતું. સમગ્ર મોક ઓપરેશન દરમિયાન હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ કામગીરી દરમિયાન ધ્યાને આવેલી બાબતો, સંભવિત પડકારો અને જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મોકડ્રિલ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સુરક્ષા, મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળની સલામતી તથા આગામી રાષ્ટ્રીય એકતા પરેડ જેવા મોટા કાર્યક્રમો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ એજન્સીઓની સંકલિત તૈયારીનું પ્રદર્શન થયું હતું.
