ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની અંડર-17 બોયઝ યૂથ લીગ ચેમ્પિયનશિપનો પ્રારંભ

Spread the love

અમદાવાદમાં સેવી સ્વરાજ એફસીનો 24-0થી ધમાકેદાર વિજય; કુશ મોરાણીએ 8 ગોલ ફટકાર્યા

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ થયો છે. રાજ્યની નામાંકિત ક્લબોની ભાગીદારી સાથે યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં ત્રણેય કેટેગરીમાં કુલ 60 ક્લબો મેદાનમાં ઉતરી છે, જે અત્યાર સુધીનું રેકોર્ડબ્રેક ક્લબ પાર્ટિસિપેશન છે.

ત્રણ કેટેગરીમાં 60 ક્લબોની ભાગીદારી

ચેમ્પિયનશિપમાં અંડર-13 કેટેગરીમાં 23, અંડર-15માં 23 અને અંડર-17 કેટેગરીમાં 14 ક્લબો ભાગ લઈ રહી છે. કેટેગરી પ્રમાણે ચેમ્પિયન બનનારી ટીમોને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યૂથ લીગમાં રમવાની તક મળશે. આથી રાજ્યની યુવા ફૂટબોલ પ્રતિભાઓ માટે આ ચેમ્પિયનશિપ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે.

અંડર-17 કેટેગરીમાં સેવી સ્વરાજ એફસી, કહાની એફસી, બરોડા એફએ, સીવીએમ એફસી, એઆરએ એફસી, કર્ણાવતી એફસી, પાનોલી એફસી, યુનાઇટેડ સોકર એફસી સુરત, કાસા એફસી, એસકે યુનાઇટેડ એફસી, એસએજી એફસી, એસએજી એફએ, દ્વિવેદી બ્રધર્સ અને એસજીવીપી એફએ સહિતની ટીમો ભાગ લઈ રહી છે.

સેવી સ્વરાજનો 24-0થી જંગી વિજય

અમદાવાદ ખાતે રમાયેલા અંડર-17ના મુકાબલામાં સેવી સ્વરાજ એફસીએ કાસા એફસી સામે એકતરફી પ્રદર્શન કરતાં 24-0થી વિશાળ વિજય મેળવ્યો હતો. સેવી સ્વરાજ તરફથી કુશ મોરાણીએ એકલા હાથે 8 ગોલ નોંધાવી ટીમની જંગી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અન્ય એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં એસકે યુનાઇટેડ એફસીએ કહાની એફસીને 4-3થી હરાવી હતી. એસકે યુનાઇટેડ તરફથી અરમાન ઠાકોરે બે ગોલ, જ્યારે દક્ષરાજસિંહ જાડેજા અને કૃષ્ણ પાલે એક-એક ગોલ કર્યો હતો. કહાની એફસી તરફથી વસુદેવસિંહે બે અને ગણેશ રવાએ એક ગોલ નોંધાવ્યો હતો.

કર્ણાવતી અને એસજીવીપીની પણ જીત

કર્ણાવતી એફસીએ પાનોલી એફસી સામેની રસાકસીભરી મેચમાં 4-2થી વિજય મેળવ્યો હતો. કર્ણાવતી તરફથી જય ભટ્ટે બે અને સોહમ સંઘવીએ એક ગોલ કર્યો હતો. એસજીવીપી એફસીએ યુએસઆઇ એફસી સુરતને 7-0થી હરાવી શાનદાર શરૂઆત કરી હતી.

આણંદ ખાતે બે મુકાબલા

આણંદ ખાતે રમાયેલા મુકાબલામાં સીવીએમ એફસીએ એસજીવીપી એફએને 8-0થી પરાજય આપ્યો હતો. જ્યારે બરોડા એફસીએ દ્વિવેદી બ્રધર્સ સામે 5-1થી વિજય નોંધાવ્યો હતો.

આમ, અંડર-17 કેટેગરીમાં પ્રથમ દિવસે કુલ 6 મેચો રમાઈ હતી. શરૂઆતના મુકાબલાઓમાં ટીમોએ આક્રમક રમતનું પ્રદર્શન કરતાં ચેમ્પિયનશિપના આગામી તબક્કામાં પણ રસાકસીભરી ટક્કરની અપેક્ષા ઊભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *