સ્ટેચ્યુ ઓફ યુનિટી પરેડમાં ભાગ લેવા આવેલા 87 જવાનો છેલ્લા 10 દિવસમાં સિવિલમાં દાખલ; 50ને રજા, 37 જવાનો સારવાર હેઠળ
સારવાર દરમિયાન એક જવાનનું દુઃખદ અવસાન; બીમારીમાં ભારે કસરતને કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા, અંતિમ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે
ગાંધીનગર:
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત પરેડમાં ભાગ લેવા ગુજરાત આવેલા સુરક્ષા દળોના જવાનો ડેન્ગ્યુ સહિતની શારીરિક તકલીફોને કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સારવાર હેઠળના જવાનોના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમની આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી હતી. છેલ્લા 10 દિવસ દરમિયાન કુલ 87 જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 50 જવાનો સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 37 જવાનો હાલ સારવાર હેઠળ છે.
આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ હોસ્પિટલના તબીબો અને તબીબી અધિક્ષક ડૉ. મીતા પરીખ સાથે બેઠક યોજીને જવાનોને આપવામાં આવતી સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે તમામ જવાનોને ઉત્તમ તબીબી સુવિધા અને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ સારવાર હેઠળ રહેલા 37 જવાનોની સ્થિતિ સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. કોઈ પણ જવાનની સ્થિતિ હાલ ગંભીર નથી.
જવાનોને પૌષ્ટિક આહાર અને પૂરતી તબીબી સુવિધા આપવા સૂચના
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનોની સંભાળ રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે. સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે તબીબોને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. જવાનો પૂરતા પ્રમાણમાં પાણી પીવે, તેમને સવારે પૌષ્ટિક નાસ્તો, તાજાં ફળો, ફ્રૂટ જ્યુસ, સલાડ અને તબીબોની ભલામણ મુજબનું પૌષ્ટિક ભોજન સમયસર મળે તેવી વ્યવસ્થા કરવા પણ તેમણે જણાવ્યું હતું.
ડેન્ગ્યુની સારવાર દરમિયાન કોઈ જવાનને તાત્કાલિક પ્લેટલેટ્સની જરૂર પડે તો વિલંબ ન થાય તે માટે રક્ત અને પ્લેટલેટ્સના ઉપલબ્ધ જથ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્રને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
એક જવાનના અવસાનથી શોકની લાગણી
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જવાનો પૈકી એક જવાનનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટના અંગે આરોગ્ય મંત્રીશ્રીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને સ્વર્ગસ્થ જવાનના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશની સેવા કરતા જવાનને ગુમાવવો એ સૌ માટે મોટી ક્ષતિ છે. રાજ્ય સરકાર શોકગ્રસ્ત પરિવારના દુઃખમાં સહભાગી છે.
ઘટના અંગે વધુ માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં દાખલ જવાનોની સ્થિતિ સ્થિર હતી. જોકે, એક જવાને અચાનક છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરતાં તબીબોની ટીમે તાત્કાલિક ECG સહિતની જરૂરી હૃદયસંબંધિત તપાસ કરી હતી. ત્યારબાદ તેમને ICUમાં ખસેડીને સઘન સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
તબીબોના પ્રાથમિક તારણ મુજબ, જવાન તાવ અને શારીરિક અસ્વસ્થતા હોવા છતાં ભારે કસરત અને વર્કઆઉટ ચાલુ રાખતા હતા. તેના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ અંતિમ પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
જવાનોના રહેઠાણ સ્થળે આરોગ્ય વિભાગની વિશેષ કામગીરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા શરૂઆતથી જ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. જવાનો જ્યાં રોકાયા છે ત્યાં મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દિવસમાં બે વાર ફોગિંગ અને કીટકનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જવાનોના રહેઠાણ સ્થળે સ્વચ્છતા અને આરોગ્યની સ્થિતિનું ચોવીસ કલાક મોનિટરિંગ કરવા વિશેષ ટીમ પણ કાર્યરત છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ જવાનોની સારવાર માટે નિષ્ણાત રેસિડેન્ટ તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ જવાનોને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ તથા હોસ્પિટલ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
(નોંધ: જવાનના મૃત્યુનું ચોક્કસ કારણ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.)
