ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના
વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા
હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી કરાઇ
ગાંધીનગર

ગાંધીનગર મેડિકલ કોલેજ (GMERS) બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. જેથી તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.
