ભાવનગર સર ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રીએ સમીક્ષા કરી, અનેક મહત્વના આદેશો જારી

Spread the love

નિર્માણ કાર્યોમાં ઝડપ, હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દીઓ સાથે નમ્ર વ્યવહાર અને રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર

ભાવનગર

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલની કામગીરી તેમજ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના તબીબી અધિક્ષક, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ (PIU) તથા ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. બેઠક દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સુવ્યવસ્થિત અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.

નવા બિલ્ડિંગો સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા સૂચના

બેઠક દરમિયાન PIU દ્વારા ભાવનગરના નારી ચોકડી ખાતે નિર્માણાધીન નવા એકેડેમિક બ્લોક, ટીચિંગ હોસ્પિટલ, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ તેમજ પીજી હોસ્ટેલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન બાદ મંત્રીશ્રીએ તમામ બાંધકામો ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. તેમણે ચોમાસા દરમિયાન હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે રોડ લેવલ કરતાં પૂરતી ઊંચાઈ પર બિલ્ડિંગનું પ્લાનિંગ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવાની તાકીદ કરી હતી.

સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાને પ્રાથમિકતા

મંત્રીએ હોસ્પિટલના તમામ વોર્ડ, પોસ્ટમોર્ટમ રૂમ અને સમગ્ર પરિસરમાં સ્વચ્છતા જાળવવા વિશેષ ભાર મૂક્યો હતો. જૂનો ભંગાર, બિનઉપયોગી વાહનો અને કચરાનો તાત્કાલિક નિકાલ કરીને હોસ્પિટલને સંપૂર્ણ સ્વચ્છ અને દુર્ગંધમુક્ત રાખવા આદેશ આપ્યા હતા. સાથે જ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સિક્યોરિટી એજન્સીઓની કામગીરીની નિયમિત સમીક્ષા કરવા તથા પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓની જ નિમણૂક સુનિશ્ચિત કરવા હોસ્પિટલના તબીબી અધિક્ષકને સૂચના આપવામાં આવી હતી.

દર્દીઓ સાથે સંવેદનશીલ વર્તન પર ભાર

આરોગ્ય રાજ્યમંત્રીએ હોસ્પિટલના તમામ કર્મચારીઓ, જેમાં સિક્યોરિટી સ્ટાફ, પટ્ટાવાળા, નર્સિંગ સ્ટાફ અને તબીબોનો સમાવેશ થાય છે, તેમને દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે નમ્ર, સંવેદનશીલ અને સન્માનજનક વર્તન રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દર્દીઓને ગુણવત્તાસભર સારવારની સાથે માનવીય અભિગમ પણ એટલો જ મહત્વનો છે.

રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ

મંત્રીએ મેડિકલ કોલેજ અને હોસ્ટેલ કેમ્પસમાં રેગિંગ જેવી પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા કડક સૂચના આપી હતી. કેમ્પસમાં શિસ્ત જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે કોલેજના ડીનને જરૂરી તમામ પગલાં લેવા નિર્દેશ કરવામાં આવ્યા હતા.

દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે ખાસ સૂચનાઓ

સર ટી. હોસ્પિટલના ઓર્થોપેડિક સહિતના વિવિધ વિભાગોમાં દર્દીઓને ઓપરેશન કે ઇમ્પ્લાન્ટ માટે લાંબી રાહ ન જોવી પડે તે માટે જરૂરી સાધનસામગ્રી અને ઇમ્પ્લાન્ટ્સની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તબીબી અધિક્ષકને સૂચના આપવામાં આવી હતી. બેઠકના અંતે મંત્રીશ્રીએ તમામ વિભાગોને પરસ્પર સંકલનથી કાર્ય કરીને ભાવનગરની જનતાને વધુ ઝડપી, ગુણવત્તાસભર અને પારદર્શક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા આહ્વાન કર્યું હતું.

બોક્સ: સર ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોટા વહીવટી ફેરફારો

સમીક્ષા બેઠક બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના રેગિંગ તેમજ નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિને સહન કરશે નહીં. આ દરમિયાન નીચે મુજબના મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયો લેવામાં આવ્યા છે:

  • સર ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે વધારાનો હવાલો ધરાવતા ડૉ. અશોક વાળાને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ડૉ. કેરવી દેસાઈને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો.
  • ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.
  • મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડૉ. અમિત પરમારને તેમના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા.
  • ઓર્થોપેડિક વિભાગમાં 11 માસના કરાર પર ફરજ બજાવતા પ્રોફેસર ડૉ. પિનાકીન વોરાની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી.
  • PMSSY બિલ્ડિંગના નોડલ ઓફિસર ડૉ. સમીર શાહને પણ ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *