ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

Spread the love

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો

ભરૂચ

: રાજ્ય સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત સમરસ સેતુ વિદ્યા અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ એક દીકરીના ઘરે જઈ પરિવારને શિક્ષણનું મહત્વ સમજાવી તેનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

શિક્ષણથી વંચિત બાળકને ફરી જ્ઞાનના માર્ગે લાવવાનો પ્રયાસ

ભરૂચના શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ હોલ, જે.પી. કોલેજ ખાતે યોજાયેલા સમરસ સેતુ વિદ્યા અભિયાન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણથી વંચિત રહેલા દરેક બાળકને ફરી જ્ઞાનના માર્ગે આગળ વધારવાનો પ્રયાસ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પવિત્ર યજ્ઞ છે.

4 હજારથી વધુ વિદ્યાર્થીઓને નવી તક

મંત્રીએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં કોઈ કારણસર અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની સઘન મહેનત અને વિવિધ સ્તરે કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે હજારો બાળકોના જીવનમાં ફરી જ્ઞાનનો દીપ પ્રગટ્યો છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી દિશા ખુલ્લી છે.

દીકરીના ઘરે પહોંચ્યા મંત્રી

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી પ્રફુલ પાનશેરીયા ભરૂચ શહેરની અંબે માતા વિદ્યાલયમાંથી શૈક્ષણિક વર્ષ 2024-25 બાદ ધોરણ-8 પછી અભ્યાસ છોડી ચૂકેલી હિરલ દિનેશ મીરના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે હિરલની માતા સાથે આત્મીય સંવાદ કર્યો હતો. મંત્રીએ દીકરીના જીવનમાં શિક્ષણનું મહત્વ, ભવિષ્ય નિર્માણમાં અભ્યાસની ભૂમિકા અને શિક્ષણ ચાલુ રાખવાની આવશ્યકતા અંગે સમજણ આપી હતી.

સમજાવટ બાદ હિરલબેનનો શાળામાં પુનઃ પ્રવેશ

મંત્રીની લાગણીસભર સમજાવટ અને પ્રેરણાદાયી વાતોથી પ્રભાવિત થઈ હિરલ તથા તેની માતાએ અભ્યાસ ફરી શરૂ કરવાની સંમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય ડી. કે. સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા અંબે માતા વિદ્યાલયના આચાર્યની ઉપસ્થિતિમાં હિરલબેનનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે પ્રાથમિકતા

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. શિક્ષણ વિભાગ, શિક્ષકો, વાલીઓ અને સમગ્ર સમાજના સહિયારા પ્રયાસોથી જ અભ્યાસ છોડી ચૂકેલા બાળકોને ફરી શાળા સુધી પહોંચાડવાનું કાર્ય સફળ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *