ભરૂચમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નું ઉદ્ઘાટન, 4 હજાર ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ

Spread the love

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો; શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો-સંસ્થાઓનું સન્માન, 25 બાળકોને સાયકલની ચાવી અર્પણ

ભરૂચ

શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે અભિયાનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

4 હજાર બાળકોને ફરી શાળાએ લાવવાનો પ્રયાસ

કાર્યક્રમને સંબોધતા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ભરૂચ માટે આ અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી કાર્યક્રમ છે. શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને શોધી ફરી શિક્ષણ સાથે જોડવાનું કાર્ય હાથ ધરાયું છે. ચાલુ વર્ષે શાળા છોડી ચૂકેલા આશરે 4,000 બાળકોને પુનઃ શિક્ષણની મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, પાયાના સ્તરે દેશના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ શિક્ષણ છે. એક સમય ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો 18થી 20 ટકા જેટલો હતો, જે હવે ઘટીને 1 ટકા સુધી પહોંચ્યો છે. ગામડે-ગામડે શિક્ષણનો યજ્ઞ ચાલી રહ્યો છે અને કોઈ કારણસર શાળા છોડી ગયેલા બાળકોને ફરી જ્ઞાનના પ્રવાહ સાથે જોડવામાં આવી રહ્યા છે.

શિક્ષણ જ સર્વસમાવેશી વિકાસનો આધાર

પ્રભારીમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશનો એક પણ નાગરિક અશિક્ષિત રહે તે સમાજ માટે યોગ્ય નથી. જ્ઞાન વ્યક્તિને સાચું, સાદું અને સંસ્કારી જીવન જીવવાની દિશા આપે છે. શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું નથી, પરંતુ બાળપણથી જ સંસ્કાર અને જવાબદારીની ભાવના વિકસાવવાનું માધ્યમ છે.

તેમણે ‘વસુધૈવ કુટુંબકમ્’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિવિધ ભાષા અને પ્રાંતો હોવા છતાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી શિક્ષણ અને શિક્ષકના હૃદયની ભાષા એક જ છે. 2047ના વિકસિત અને સંસ્કારી ભારતના નિર્માણમાં શિક્ષણની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો-સંસ્થાઓનું સન્માન

અભિયાન અંતર્ગત બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો તેમજ બાળકોને વિવિધ પ્રકારની મદદ પૂરી પાડનાર સામાજિક સંસ્થાઓ અને કંપનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જંબુસર તાલુકાના આશરે 25 બાળકોને શાળાએ આવવા-જવા માટે પ્રતિકાત્મક રીતે સાયકલની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે સ્વાગત પ્રવચનમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ના પ્રથમ તબક્કાની કામગીરી અને ઉદ્દેશ્ય અંગે માહિતી આપી હતી.

શિક્ષકોને પ્રભારીમંત્રીએ શિર ઝુકાવી વંદન કર્યું

પ્રફુલ પાનશેરિયાએ બાળકોને શાળા સુધી લાવનારા અને તેમને શિક્ષણ તથા સંસ્કાર આપનારા તમામ શિક્ષકોને અભિનંદન નહીં, પરંતુ શિર ઝુકાવીને વંદન કર્યું હતું. તેમણે શિક્ષણ વિભાગ અને સમગ્ર ટીમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી અને 4 હજાર બાળકોના જીવનમાં આવેલા આ ‘યુ-ટર્ન’ને ઉજ્જવળ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા અને ડી.કે. સ્વામી સહિતના મહાનુભાવોએ પણ સંબોધન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *