જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા. ૪૩૦૦.૦૪ લાખના ૧૨૯૬ વિકાસ કામોને મંજૂરી

Spread the love

પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને બેઠક; વિકાસકામોમાં ગુણવત્તા, સમયમર્યાદા અને નિયમિત નિરીક્ષણ પર ભાર

ભરૂચ:

જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબ-પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવેકાધીન જોગવાઈ અંતર્ગત અંદાજિત રૂા. ૪૩૦૦.૦૪ લાખથી વધુના કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

ગુજરાત પેટર્ન યોજના હેઠળ કરોડોના વિકાસ કામો મંજૂર

ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત ૯૬ ટકા પ્રાયોજના વિસ્તાર માટે રૂા. ૩૫૪૮.૭૭ લાખની જોગવાઈ સામે ૯૫૬ વિકાસ કામો માટે રૂા. ૪૦૧૭.૨૪ લાખનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે ૪ ટકા છૂટાછવાયા વિસ્તાર માટે રૂા. ૭૫૧.૨૭ લાખની જોગવાઈ સામે રૂા. ૮૮૯.૬૯ લાખના આયોજનને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

ગુણવત્તા સાથે સમયસર કામ પૂર્ણ કરવા તાકીદ

બેઠકમાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વિકાસના દરેક કામ સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટેના સરકારી કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.

લાભથી વંચિત લોકોને આવાસ યોજનાનો લાભ આપવા સૂચના

મંત્રીએ જણાવ્યું કે જ્યાં સરકારી યોજનાઓનો લાભ હજુ સુધી પહોંચ્યો નથી અને જે લોકો પાસે રહેઠાણના આધાર-પુરાવા કે જરૂરી દાખલા ઉપલબ્ધ નથી, ત્યાં પ્રાંત અધિકારી, તલાટી-મંત્રી અને સ્થાનિક ટીમના સંકલનથી વિશેષ કેમ્પ યોજવા જોઈએ. પાત્ર અને જરૂરિયાતમંદ તમામ લોકોને આવાસ સહિતની સરકારી યોજનાઓનો લાભ ઝડપથી મળે તે માટે સક્રિય કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી.

જીઓ-ટેગિંગ સાથે વિકાસકામોનું નિરીક્ષણ

વિકાસકામોની ગુણવત્તા જાળવવા માટે જીઓ-ટેગિંગ તથા Google Photos સાથેના ફોટોગ્રાફ રાખવા અને કામોની નિયમિત ચકાસણી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. દરેક અધિકારીએ દર ૧૫થી ૨૦ દિવસે પોતાના હેઠળના કર્મચારીઓ સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ, જેથી કામો સમયસર પૂર્ણ થઈ શકે.

રસ્તા અને ખાડાઓના કામોમાં આયોજનબદ્ધ કામગીરી

મંત્રીએ રસ્તાઓ અને ખાડાઓની સમસ્યા દૂર કરવા આયોજનબદ્ધ કામગીરી કરવા ભાર મૂક્યો હતો. ગ્રાન્ટના બદલાતા ભાવ, રોડના સ્ક્વેર મીટરના કેલ્ક્યુલેશન સહિતની સમસ્યાઓ ઊભી ન થાય તે માટે કામોનું યોગ્ય આયોજન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આવાસ યોજના સહિતના તમામ પ્રજાલક્ષી કામો ઝડપથી અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.

‘વિકાસ વાટિકા’ પુસ્તકનું વિમોચન

આ પ્રસંગે જિલ્લા આયોજન કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તૈયાર કરવામાં આવેલા વિકાસ વાટિકા પુસ્તકનું પ્રભારી મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્યો દ્વારા રચનાત્મક રજૂઆતો

બેઠક દરમિયાન ધારાસભ્ય રિતેશ વસાવા અને અરૂણસિંહ દ્વારા પ્રભારી મંત્રી સમક્ષ વિવિધ રચનાત્મક સૂચનો અને રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રીએ જિલ્લામાં પ્રજાલક્ષી કાર્યોને મહત્તમ આવરી લેવાની સાથે સામૂહિક વિકાસના કામોને અગ્રતા આપવા જણાવ્યું હતું અને પ્રગતિ હેઠળના તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલ રાજ, ધારાસભ્યો રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ , ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર, જિલ્લા આયોજન અધિકારી સહિત તાલુકા પંચાયતના પ્રમુખો, અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *