રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક મામલે સરકારનો કડક નિર્ણય

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે કરી ટેલિફોનિક વાતચીત; ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી

રાજકોટ:

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક કાર્યવાહી માટે આરોગ્ય વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

પીડિત મહિલા તબીબ સાથે મંત્રીએ કરી વાત

ઘટના અંગે માહિતી મળ્યા બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીએ તેમની હિંમત વધારી ન્યાય અપાવવાની તેમજ સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા મહિલા તબીબો અને કર્મચારીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

ડો. અશ્વિન રામાણીની પંચમહાલ બદલી

આરોગ્ય મંત્રીના આદેશ બાદ રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલના ડો. અશ્વિન રામાણીની પંચમહાલ જિલ્લાના વાવકુંડલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે બદલી કરવામાં આવી છે. આ નિર્ણય ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

મહિલા તબીબોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યની આરોગ્ય સેવાઓમાં કાર્યરત દરેક મહિલા કર્મચારી અને તબીબની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કાર્યસ્થળે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે અયોગ્ય વર્તનને રાજ્ય સરકાર બિલકુલ સહન કરશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહિલા તબીબો સમાજને આરોગ્યસેવા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી તેમને સન્માનપૂર્ણ, સુરક્ષિત અને હકારાત્મક વાતાવરણમાં કામ કરવાની તક મળે તે જરૂરી છે. આ ઘટનામાં સંડોવાયેલા સિનિયર તબીબ સામે નિયમો મુજબ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને માર્ગદર્શિકા

આરોગ્ય મંત્રીની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સુરક્ષિત અને સન્માનજનક કાર્યકારી વાતાવરણ જાળવવા જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ અને સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે તેવો સરકારનો સ્પષ્ટ અભિગમ છે.

ગેરવર્તણૂક સામે કડક પગલાં

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે કાર્યસ્થળે મહિલાઓ સાથે ગેરવર્તણૂકના કિસ્સાઓમાં નિયમો અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલાની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે અને દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *