ત્રણ મહિના સુધી ચાલનારા પ્રકાશોત્સવમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સાત કિલોમીટરના માર્ગ પર આકર્ષક લાઇટિંગ કરાશે
સરદાર સરોવર ડેમનો ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો બનશે મુખ્ય આકર્ષણ; SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાની દેશવાસીઓને એકતાનગરની મુલાકાત લેવા અપીલ
એકતાનગર
ભારતની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ગૌરવના વૈશ્વિક પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની ઉજવણીને વિશેષ અને યાદગાર બનાવવા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિકસિત એકતાનગરમાં 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી ‘એકતા પ્રકાશ પર્વ-2026’નું આયોજન કરવામાં આવશે. ત્રણ મહિના સુધી ચાલનારા આ પ્રકાશોત્સવમાં એકતાનગરના મુખ્ય માર્ગો, ઇમારતો અને વૃક્ષો આકર્ષક રોશનીથી ઝળહળી ઊઠશે.
ગત વર્ષે પ્રથમ વખત યોજાયેલા એકતા પ્રકાશ પર્વને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ અને સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસ ઉપરાંત ભારત પર્વ અને દીપોત્સવીના ઉત્સવી માહોલને વધુ યાદગાર બનાવવાના ઉદ્દેશ્યથી આ પર્વનું આયોજન કરાયું છે.
સાત કિલોમીટરના માર્ગ પર થીમ આધારિત લાઇટિંગ
એકતા પ્રકાશ પર્વ દરમિયાન એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના આશરે સાત કિલોમીટરના માર્ગને વિશેષ લાઇટિંગથી શણગારવામાં આવશે. માર્ગ પર લાઇટિંગ પોલ, ગેન્ટ્રી મોટિફ અને થીમ આધારિત પ્રકાશ સજાવટ સાથે વિવિધ સરકારી યોજનાઓ, એકતાનગરનાં પ્રવાસન સ્થળો અને દેશની વિકાસયાત્રાને રજૂ કરતાં આકર્ષક લાઇટિંગ આર્ટિકલ્સ મૂકવામાં આવશે. માર્ગ પર આવેલી ઇમારતો અને વૃક્ષોને પણ રોશનીથી સુશોભિત કરાશે.
આ ઉપરાંત, વેલી ઓફ ફ્લાવર્સ તરફ જતા માર્ગ સહિતના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ સ્થાપિત કરવામાં આવશે. પ્રકાશ અને કલાત્મક સજાવટના સમન્વયથી પ્રવાસીઓને નયનરમ્ય દૃશ્યોનો અનુભવ મળશે. એકતાનગરમાં પ્રવેશથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો સમગ્ર માર્ગ ઉત્સવમય માહોલથી ઝળહળી ઊઠશે.
ડેમનો ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો વિશેષ આકર્ષણ
એકતા પ્રકાશ પર્વનું મુખ્ય આકર્ષણ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રજૂ થનારો વિશેષ ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો રહેશે. ડેમ વ્યૂ-પોઇન્ટ-1 પરથી નિહાળી શકાય તેવા આ શોમાં વિશાળ ડેમ અને નર્મદાના જળવિસ્તારની ભવ્યતા રાત્રિના સમયે રોશનીના માધ્યમથી વધુ આકર્ષક બનશે.
દિવસ દરમિયાન પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતિમા, નર્મદા નદીનો વિશાળ જળવિસ્તાર અને આસપાસની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણી શકશે. જ્યારે રાત્રે લાઇટિંગથી ઝળહળતા એકતાનગરનો નજારો તેમની સફરને વધુ યાદગાર બનાવશે. લેસર શો, નર્મદા મહાઆરતી અને યુનિટી ગ્લો ગાર્ડન જેવાં પ્રવાસન આકર્ષણો સાથે પ્રકાશોત્સવ રાત્રિ પ્રવાસનને પણ નવી ગતિ આપશે.
ભારતની એકતા અને વિકાસનો સંદેશ
એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સાંસ્કૃતિક વૈવિધ્ય, ઐતિહાસિક વારસા અને આધુનિક સિદ્ધિઓને પ્રકાશ સજાવટ તથા થીમ આધારિત પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવાનો છે. આ આયોજન પ્રવાસન આકર્ષણની સાથે રાષ્ટ્રીય એકતા, વિવિધતા અને પ્રગતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બનશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ (SoUADTGA)ના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે સરદાર સાહેબની 151મી જન્મજયંતિ તેમજ ભારત પર્વ અને દીપોત્સવી દરમિયાન પ્રવાસીઓને એકતાનગરની મુલાકાતે જીવનભરની યાદગીરી મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલક તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના ચેરમેન મુકેશ પુરીના માર્ગદર્શન હેઠળ SSNNL અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજન હાથ ધરાયું છે.
તેમણે દેશવાસીઓને આ સમયગાળા દરમિયાન એકતાનગરની મુલાકાત લેવાની અપીલ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રવાસીઓ પોતાના ફોટોગ્રાફ્સ, વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા સરદાર સાહેબનો સંદેશ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વૈશ્વિક ઓળખને વધુ વ્યાપક બનાવવામાં યોગદાન આપશે.
