ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને ૪૫ નવી આરોગ્યલક્ષી કામગીરીનું ખાતમુહૂર્ત; રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ૫૨૧ બેડની અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સંસ્થા બનશે

અમદાવાદ:

ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ. ૨૨૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર’નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં રૂ. ૧૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને રૂ. ૩૪૭ કરોડના ખર્ચે હાથ ધરાનારી ૪૫ નવી આરોગ્યલક્ષી કામગીરીઓનું ખાતમુહૂર્ત કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટના અભિગમથી આરોગ્ય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. ‘સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ’ની ભાવનાને સાકાર કરવા સરકાર હોલિસ્ટિક હેલ્થકેર પર ભાર મૂકી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવારની સુવિધા જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. રાજ્યમાં ૨.૮૭ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ગુજરાતમાં આઠ મેડિકલ કોલેજો હતી, જે વધીને વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૩ થઈ છે. એમબીબીએસની બેઠકો પણ ૧,૩૭૫થી વધીને ૭,૫૨૫ થઈ છે.

અમદાવાદમાં ૫૨૧ બેડનું અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સેન્ટર

અમદાવાદ મેડિસિટી સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ૫૮,૮૩૧ ચોરસ મીટર બિલ્ટ-અપ વિસ્તારમાં આકાર લેનાર આ સંસ્થા ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. તેમાં ૨૮૮ જનરલ વોર્ડ બેડ, ૧૬૦ આઈસીયુ બેડ, ૫૭ સ્પેશિયલ અને સેમી-સ્પેશિયલ બેડ તથા ૧૬ ટ્રાયેજ બેડની સુવિધા ઉપલબ્ધ થશે.

સેન્ટરમાં ૧૩ અદ્યતન ઓપરેશન થિયેટર ઉપરાંત ઇમરજન્સી રેડિયોલોજી, અત્યાધુનિક પ્રયોગશાળા, બ્લડ બેંક, સેન્ટ્રલ સ્ટેરાઇલ સર્વિસિસ વિભાગ અને ઇન-હાઉસ ન્યુરો-રિહેબિલિટેશન સેન્ટર જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. સ્ટ્રોક, બ્રેઇન ટ્યુમર, મગજ અને કરોડરજ્જુની જટિલ બીમારીઓ તેમજ અકસ્માતને કારણે થતી ન્યુરોલોજિકલ ઇજાઓની સારવારમાં આ સંસ્થા ઉપયોગી બનશે.

વસઈ અને કામરેજમાં પણ મેડિસિટીનું આયોજન

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં એઇમ્સ કાર્યરત છે અને જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વિકસાવવામાં આવી રહ્યું છે. અમદાવાદની જેમ વસઈ અને કામરેજ ખાતે પણ અંદાજે રૂ. ૩,૦૦૦ કરોડના ખર્ચે નવી મેડિસિટી વિકસાવવાનું આયોજન છે. ગાંધીનગર અને સુરતમાં કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજીની સેવાઓનો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણથી છેવાડાના નાગરિકોને સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળી રહેશે. તેમણે ટીબી મુક્તિ, ચાંદીપુરા વાયરસ અને મલેરિયા નિયંત્રણ, માતૃ-બાળ મૃત્યુદરમાં ઘટાડો તથા અંગદાન ક્ષેત્રે ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. રાજ્યમાં ૧,૪૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સેવાઓ આપવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ તબીબો અને આરોગ્ય કર્મચારીઓને દર્દીઓની સારવારની સાથે તેમનામાં વિશ્વાસ જગાવવા અને માનસિક સહારો આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ, મેયર, સાંસદો, ધારાસભ્યો, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *