સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ: દિલ્હી બહાર પ્રથમવાર યોજાશે ભવ્ય આયોજન

Spread the love

દિલ્હીની બહાર પ્રથમ વખત ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે તંત્ર સજ્જ; 22 સપ્ટેમ્બરે 92 પ્રતિભાઓનું થશે સન્માન.

રાજપીપલા:

નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2024નો ભવ્ય સમારોહ આગામી તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનાર છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 70 વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે, જે સમગ્ર રાજ્ય અને નર્મદા જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ છે.

ઐતિહાસિક અવસર અને રાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિ ભારતીય સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ 92 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે આશરે 75 મિનિટના આ ભવ્ય સમારોહમાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે. મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને સિનેમા જગતની દિગ્ગજ પ્રતિભાઓની હાજરીથી આ અવસર અત્યંત સ્મરણીય બની રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ માળખાકીય વ્યવસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સ્થળે અંદાજે 1,000 મહેમાનોની બેઠક ક્ષમતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત મહેમાનોની સુવિધા માટે તમામ જરૂરી માળખાકીય અને સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા આયોજન અને સમીક્ષા બેઠક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા અતિમહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમનું સુચારૂ અને ગરિમાપૂર્ણ આયોજન થાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા, પ્રોટોકોલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, સ્થળ વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નર્મદા અને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં યોજાનાર આ રાષ્ટ્રીય સમારોહ નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક નવી ઓળખ અપાવશે. દેશના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારો પૈકીના એક એવા આ પુરસ્કાર સમારોહની યજમાની એકતાનગર-કેવડિયાને મળવી એ સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. રાજ્ય સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમને ભવ્યતા, શિસ્ત અને સંપૂર્ણ ગરિમા સાથે સફળ બનાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *